

3 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતના કરોડો વાચકોને પોતાની ‘ફિલમની ચિલમ’ અને ‘ફિલ્લમ ફિલ્લમ’ જેવી કોલમથી વાંચતા રાખનારા વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું 73 વર્ષની ઉંમરે કેનેડા મુકામે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પોતાની આકર્ષક અને રસાળ લેખનશૈલીથી વાચકોની અનેક પેઢીઓને સિનેમા અને ટેલિવિઝનની વાતોથી માહિતગાર રાખતા સલિલભાઇ પોતાની બીમારી અંગેની અપડેટ્સ જાતે જ વાચકોને આપતા રહ્યા હતા. સલિલ દલાલ ગુજરાતના લગભગ તમામ અગ્રણી અખબારોમાં કલમ અજમાવી ચૂક્યા હતા. તેઓ લાંબા સમય સુધી ‘દિવ્ય ભાસ્કર’ અખબારના અને ‘દિવ્ય ભાસ્કર’ વેબસાઇટ-એપના પણ કોલમિસ્ટ રહ્યા હતા. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ એપ માટે પણ ‘લતા લહર’ નામે લતા મંગેશકર વિશેની લેખશ્રેણી લખી હતી. સલિલ દલાલ છેલ્લાં ઘણાં વર્ષોથી કેનેડાના ટોરોન્ટો મુકામે પોતાના પુત્ર સાથે રહેતા હતા.


કહાં તુમ ચલે ગયે…: સુપ્રસિદ્ધ ગઝલગાયક જગજિત સિંઘ સાથે સલિલ દલાલ
‘એચ. બી. ઠક્કર’ ધેટ ઇઝ સલિલ દલાલ
મિત્રો-ચાહકોમાં ‘સલિલભાઈ’ તરીકે જાણીતા સલિલ દલાલનું સાચું નામ હસમુખ ઠક્કર હતું. પેન નેમ તરીકે તેમણે ‘સલિલ દલાલ’ નામ અપનાવ્યું હતું, જે આજીવન તેમની નક્કર ઓળખ બની રહ્યું. વ્યવસાયે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારી રહેલા સલિલભાઇએ નાયબ મામલતદારથી લઇને મનોરંજન કર કમિશનર સુધીની અનેક પોસ્ટ પર સેવાઓ આપી હતી.


હિન્દી સિનેમાના સુવર્ણ યુગના 9 ગીતકારો પરનું સલિલ દલાલનું પ્રથમ પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’
પરંતુ તેમનો પ્રથમ પ્રેમ છેક સુધી સિનેમા જ રહ્યો. યુવાવસ્થામાં આણંદ મુકામેથી ‘આનંદ એક્સપ્રેસ’ સાપ્તાહિક કાઢનારા સલિલ દલાલના નામે ‘ગાતા રહે મેરા દિલ’, ‘કુમારકથાઓ… ફેસબુકના ફળિયે!’, ‘અધૂરી કથાઓ… ઇન્ટરનેટની અટારીએ!’ જેવાં સિનેમા પરનાં મજબૂત પુસ્તકો બોલે છે. આ ઉપરાંત તેમણે ‘સૂરસાગર કી લહરેં’ નામનું હિન્દી પુસ્તક પણ આપ્યું હતું. સલિલ દલાલનું પ્રથમ પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ 9 ફિલ્મી ગીતકારોનાં જીવન-કવન વિશે વાત કરે છે. જ્યારે ‘કુમારકથાઓ’માં હિન્દી સિનેમાના પ્રખ્યાત ‘કુમારો’ (અશોક કુમાર, કિશોર કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર)ની દાસ્તાન આલેખે છે. ‘અધૂરી કથાઓ’માં નાની ઉંમરે અકાળે મૃત્યુ પામેલી મધુબાલા, મીનાકુમારી, સ્મિતા પાટિલ, દિવ્યા ભારતી, શ્રીદેવી જેવી અદાકારાઓની વાતો આલેખાયેલી છે. જ્યારે તેમના હિન્દી પુસ્તક ‘સૂરસાગર કી લહરેં’માં 1960થી 1975ના દોઢ દાયકામાં સર્જાયેલા હિન્દી ફિલ્મી ગીત-સંગીતની ગાથા છે.


ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા લેખમાળા સ્વરૂપે પ્રસિદ્ધ થયા પછી પ્રકાશિત થયેલાં સલિલભાઈનાં બે પુસ્તકો ‘અધૂરી કથાઓ’ અને ‘કુમારકથાઓ…’


સલિલ દલાલનું ફિલ્મ ગીત-સંગીત પરનું હિન્દી પુસ્તક ‘સૂરસાગર કી લહરેં’
‘ગોસિપ સે ઝ્યાદા, રિસર્ચ સે કમ’
સલિલ દલાલની કોલમો વિશે અંજલિ આપતાં એક સિનિયર પત્રકાર મિત્રે કહેલું કે તેમનું લખાણ ‘ગોસિપ સે ઝ્યાદા, રિસર્ચ સે કમ’ પ્રકારનું રહ્યું છે. યાને કે ફિલ્મો કે ટેલિવિઝન વિશે ક્ષુલ્લક ગોસિપને બદલે કંઇક નવું માહિતીસભર જાણવા મળે તેવો તેમનો અપ્રોચ રહેતો, જેનો સંગ્રહ કરીએ તો લગભગ ગંભીર રિસર્ચની નજીક આવીને ઊભું રહે. રસપ્રદ વાત એ હતી કે ગમે તેવી ગંભીર વાત કહેતી વખતે પણ સલિલભાઇએ પોતાનાં લખાણને ક્યારેય ગંભીર કે બોરિંગ બનવા નહોતું દીધું. એકથી વધુ કિસ્સાઓના મણકાઓને એક જ લેખના દોરામાં અત્યંત હળવેકથી પરોવવાની એમની કળા પર ચાહકો ફિદા હતા. દાયદાઓ સુધી ગુજરાતી અખબારોની બુધવારની પૂર્તિના છેલ્લા પાને ટેલિવિઝન અને રવિવારની પૂર્તિના છેલ્લા પાને સિનેમા વિશેની કોલમ આપવાનો ધારો એમનાથી પડ્યો, જે આજદિનપર્યંત જળવાઈ રહ્યો છે.


પુસ્તક મેળવ્યા બદલ અમિતાભ બચ્ચનનો આભાર સંદેશઃ હજુ થોડા દિવસ પહેલાં જ સલિલભાઇએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ વધામણી આપી હતી


વર્ષોની ખંત અને ચીવટથી સંગ્રહાયેલો સલિલ દલાલનો સંદર્ભખજાનો (સૌજન્યઃ સલિલ દલાલનું ફેસબુક હેન્ડલ)
ગુજરાતી સિનેમાલેખનમાં સલિલ દલાલ અગ્રહરોળનું નામ હતાં અને અણધારી માંદગીને કારણે તેમની વિદાયથી કેટલુંયે સિને-સાહિત્ય લખાયા વિનાનું રહ્યું તેનું દુઃખ તેમના ચાહકોને કાયમ સાલશે. સલિલભાઈની વિદાય સાહિત્ય વર્તુળમાં, તેમના બહોળા મિત્રવર્તુળમાં અને કરોડો ચાહકોમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.


તુમ મુઝે યૂં ભૂલા ન પાઓગે…
ઇશ્વર તેમના આત્માને શાંતે અર્પે એ જ પ્રાર્થના.