TV Talk : આ એક્ટરને એરેન્જ્ડ મેરેજ કરવા છે, વધુ એક અભિનેત્રી મા બનવાની તૈયારીમાં .

TV Talk : આ એક્ટરને એરેન્જ્ડ મેરેજ કરવા છે, વધુ એક અભિનેત્રી મા બનવાની તૈયારીમાં .

Updated: Jun 1st, 2023

જયતિ ભાટિયા વધુ એક તીખી ભૂમિકામાં

જયતિ ભાટિયા પ્રભાવશાળી, શક્તિશાળી, તીખી, કડક મિજાજી મહિલાઓના કિરદાર અદા કરવા જાણીતી છે. ‘સસુરાલ સિમર કા’ની બબ્બે સીઝનમાં તેણે આવી ભૂમિકા ભજવીને પોતાની આગવી છાપ ઊભી કરી છે અને હવે તેણે વધુ એક વખત આવો જ રોલ હાથ ધર્યો છે. તે ટચૂકડા પડદે ચાલી રહેલા શો ‘દિલ દિયા ગલ્લાં’માં જોડાઈ છે. અભિનેત્રી કહે છે કે હું તેમાં કડક મિજાજ મહિલા તવલીનની ભૂમિકા કરી રહી છું. સંજોગવશાત્ પેદા થયેલી ગેરસમજ, હૃદય સોંસરવા થયેલા ઘા, હચમચી ગયેલી લાગણીઓની કથા દર્શાવતી આ સિરીયલ ત્રણ ત્રણ પેઢીથી ચાલ્યા આવતા વેરઝેરની ધરી પર ફરી રહી છે અને તવલીન બ્રાર પરિવાર સાથે બદલો લેવા ૨૭ વર્ષ પછી પરત ફરે છે. રિયા તેના પૌત્ર સાથે વિવાહ કરીને તેના ઘરમાં આવે છે એટલે તવલીનને બ્રાર પરિવારને દરેક રીતે બરબાદ કરી નાખવાનો મોકો મળી જાય છે. તે પોતાની દીકરીને થયેલા અન્યાયનો બદલો લેવા ઉતાવળી બની છે.

અદનાન ખાનને એરેન્જ્ડ મેરેજ કરવા છે

હાલના તબક્કે ‘કથા અનકહી’માં વિવાન રઘુવંશીની ભૂમિકા ભજવી રહેલા અદનાન ખાનને ટચૂકડા પડદાના દર્શકો જે રીતે પસંદ કરી રહ્યાં છે તે જોઈને અભિનેતા રાજીનો રેડ છે. અભિનેતા કહે છે કે ‘કથા અનકહી’થી પહેલા મેં ‘ઈશ્ક શુભાનલ્લાહ’માં કામ કર્યું હતું ત્યાર પછી મેં મારી પોતાની શોર્ટ ફિલ્મ બનાવવા થોડો સમય કોઈ શો હાથ નહોતો ધર્યો. મારી શોર્ટ ફિલ્મ પૂરી થતાં જ મેં ફરીથી ટીવી ધારાવાહિકમાં કામ કરવાનું શરૂ કરી દીધું. તે વધુમાં કહે છે કે મારી શોર્ટ ફિલ્મનો લેખક, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા હું પોતે જ છું. હમણાં તેનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. હું ટીવી શો બાબતે ચોક્કસ પસંદગીનો આગ્રહ નથી રાખતો. હા, મને ‘કથા અનકહી’ જેવો રીઆલિસ્ટિક શો કરવો હતો. અલબત્ત, ટીવી પર ઝાઝા રીઆલિસ્ટિક શો નથી બનતા. પરંતુ મને મસાલા શો કરવાની પણ મઝા આવે છે. હા, હું આ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો ત્યારે માત્ર રીઆલિસ્ટિક શોઝ કરવા માગતો હતો, પણ અનુભવે મને સમજાયું કે અહીં દરેક પ્રકારની ધારાવાહિકો માટે દર્શકો છે અને જ્યારથી મેં મારી શોર્ટ ફિલ્મ બનાવી છે ત્યારથી કોઈપણ ટીવી શોને તેના કન્ટેન્ટ પરથી જજ નથી કરતો. હવે હું ક્યારેય કોઈ શોની નીંદા નહીં કરું. અદનાનના અંગત જીવનની વાત કરીએ તો તે હવે ઠરીઠામ થવા માગે છે. તે કહે છે કે હું એરેન્જ્ડ મેરેજ કરીને સેટલ થવા ઇચ્છું છું. મારા પરિવારના વડીલો મારા માટે સારી કન્યા શોધી રહ્યા છે.

આશકા ગોરડિયા મમ્મી બનવાની છે

‘કુસુમ’માં કુમુદના પાત્ર સહિત અન્ય સિરીયલોમાં કામ કરીને પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવનાર અભિનેત્રી આશકા ગોરડિયા ઘણાં સમયથી પડદાથી દૂર છે. તે તેના પતિ બ્રેન્ટ ગ્લોબ સાથે ગોવામાં રહીને યોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં તેણે પોતાના પ્રશંસકોને ખુશખબર આપતાં સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે તે માતા બનવાની છે. નવેમ્બર મહિનામાં તેમના ઘરે નવું મહેમાન અવતરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આશકા અને બ્રેન્ટે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં અને હવે છ વર્ષ પછી તેમના આંગણામાં નવું ફૂલ ખિલવાનું છે.

‘સિમસિમ’ને અલવિદા કહેતાં હૃદય તૂટયું સયંતનીનું

વર્ષ ૨૦૨૨ના ઑગસ્ટ મહિનામાં લોંચ થયેલા શો ‘અલીબાબા : દાસ્તાન-એ-કાબૂલ’એ ટૂંક સમયમાં અકલ્પનીય – અણધાર્યા બનાવોનો સામનો કર્યા પછી ‘અલીબાબા- એક અંદાજ અનદેખા, ચેપ્ટર-૨’ તરીકે વાપસી કરી. પણ હવે જૂન માસના બીજા અઠવાડિયામાં તેના પર પડદો પાડી દેવામાં આવવાનો હોવાથી તેમાં સિમસિમની ભૂમિકા ભજવી રહેલી સયંતની ઘોષનું દિલ તૂટી ગયું છે. કહેવાની જરૂર નથી કે ‘અલીબાબા : દાસ્તાન-એ-કાબૂલ’ શરૂ થયા પછી તેની મુખ્ય અભિનેત્રી તુનિશા શર્માએ પોતાના મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના ગુના હેઠળ શોના મુખ્ય અભિનેતા શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પછીથી શોમાં અભિષેક નિગમ અને મનુલ ચુડાસામાને મુખ્ય કલાકારો તરીકે લેવામાં આવ્યાં હતાં. સયંતની ઘોષે તેમાં શરૂઆતથી જ સિમસિમની ભૂમિકા ભજવી હતી. સયંતની કહે છે કે મને આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યે બે દશક જેટલો સમય થઈ ગયો છે. આમ છતાં જ્યારે કોઈ શોને વિરામ આપવામાં આવે છે ત્યારે મારું મન આળું થઈ જાય છે. અલબત્ત, દરેક સિરીયલ વહેલી-મોડી પૂરી થવાની જ હોય. આમ છતાં હું મારા પ્રત્યેક પાત્ર સાથે લાગણીથી જોડાઈ જતી હોવાથી તેના પર પડદો પાડવામાં આવે ત્યારે મને દુઃખ થાય છે. આ સિરીયલના સર્જકોએ જ્યારે મને બોલાવીને આ વાતની જાણ કરી ત્યારે મને આઘાત લાગ્યો હતો. પરંતુ આજની તારીખમાં આ ઈન્ડસ્ટ્રીમાં સર્જકો આવી તસ્દી નથી લેતાં. મને ખુશી છે કે તેમણે સામે ચાલીને મને આ વાતની જાણ કરી. આ ધારાવાહિકે ઘણા ચડાવ-ઉતાર જોયા હતાં. હજી સુધી પણ મને એમ લાગે છે કે તુનિષા અમારી વચ્ચે હોત તો કેટલું સારું થાત.ખેર… જે થયું તેનો અફસોસ કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી.

Leave a comment